Thursday, January 16, 2020

Whatsapp Collection 27

નેગેટિવ લાગણીઓ સાથે કેવી રીતે પનારો પાડવો
January 8, 2020

લાઉડમાઉથ : સૌરભ શાહ

જીવવા માટે બેઉ પ્રકારની લાગણીઓ જરૂરી છે. પોઝિટિવ જેમ કે, પ્રેમ, આદર, દયા વગેરે લાગણીઓ જરૂરી છે એની તો સૌ કોઈને ખબર છે. પણ ગુસ્સો, ઈર્ષ્યા, સ્વાર્થ વગેરે જેવી નેગેટિવ ગણાતી લાગણીઓ પણ હોવી જોઈએ. કશુંક ખોટું થતું હોય ત્યારે ગુસ્સો આવવો જ જોઈએ. તો જ એ ખોટાને તમે અટકાવવા માટે પ્રયત્નો કરશો. કોઈની પાસે તમારી પાસે જે નથી તે જોઈને ઈર્ષ્યા થવી જ જોઈએ. તો જ તમે જ્યાં છો એનાથી બે ડગલાં આગળ વધવાના પ્રયત્નો કરશો. સ્વાર્થ નહીં હોય તો તમે તમારી પોતાની જિંદગીને રઝળતી કરી નાખશો અને પરિણામે તમારા આશ્રિતોની તમને ચાહનારાઓ જિંદગી ખરાબે ચડી જશે.

પણ આ નેગેટિવ લાગણીઓની અભિવ્યક્તિ જ્યાંત્યાં ન થવી જોઈએ. પોઝિટિવ લાગણીઓ કસમયે કે કુપાત્રે ઠલવાય ત્યારે જેટલાં માઠાં પરિણામો ભોગવવાં પડે એના કરતાં નેગેટિવ લાગણીઓ કસમયે પ્રગટ થાય, ખોટી વ્યક્તિ સમક્ષ પ્રગટ થાય ત્યારે વધારે નુકસાન ભોગવવું પડે.

ગુસ્સામાં ન કહેવાનું કહેવાઈ જાય ત્યારે જિંદગી આખી સમસમીને બેસી રહેવું પડે. તિરાડ પડી ગયેલું મન ક્યારેય ફરી પાછું સાંધી શકાતું નથી એવી કહેવત તો આપણામાં ઔઘણી જૂની છે. મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ; ઘોડો ભાંગ્યો ખેડતાં, એને નહીં સાંધો નહીં રેણ.

સ્વજન સામે પ્રગટ થતા ક્રોધ કરતાં પણ વધારે નુકસાન દુર્જન સમક્ષ પ્રગટ થતા ક્રોધનું આવતું હોય છે. આવેશમાં કહી દીધેલા અપશબ્દો તમારું જિંદગીભરનું નુકસાન કરી જતા હોય છે. કશુંક ખોટું થઈ રહ્યું હોય ત્યારે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે અને આવવો જ જોઈએ. પણ આ ગુસ્સાને એક સિગ્નલ ગણવાનું હોય. એલાર્મ ગણવાનું હોય. તમારી મનગમતી પરિસ્થિતિ નથી સર્જાઈ રહી એની ચેતવણી ગણવાની હોય. આવા સમયે ક્રોધ પ્રગટ કરીને પરિસ્થિતિને વધારે વણસાવવાની ન હોય. એ પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવવા માટેનાં ઉતાવળિયાં પગલાં આપણે ક્રોધ પ્રગટ કરીને લેતાં હોઈએ છીએ. આને લીધે પરિસ્થિતિ સુધરતી નથી કે યથાવત્ પણ નથી રહેતી, બગડતી હોય છે. ગુસ્સો ક્યારે પ્રગટ કરવો, કયા સંજોગોમાં અને કેવી રીતે પ્રગટ કરવો, કોની આગળ પ્રગટ કરવો અને કોની આગળ નહીં અને કેટલો પ્રગટ કરવો તેનું એક આખું શાસ્ત્ર છે. ન હોય તો લખાવું જોઈએ.

આપણે માનતા આવ્યા છીએ કે આપણાથી વધુ પાવરફુલ વ્યક્તિઓ આગળ ગુસ્સો પ્રગટ નહીં કરવાનો. સાચી વાત છે. આપણાથી વધુ તાકાત-સત્તા-વગ જેમની પાસે છે તે આપણું બગાડી શકે એમ છે એનું આપણને ભાન હોય તે સાદી જ વાત છે. પણ આપણાથી દરેક વાતે નિમ્ન હોય એવી વ્યક્તિ આપણું વધારે બગાડી શકતી હોય છે, કારણ કે એની પાસે ગુમાવવા જેટલું, તમારી પાસે હોય એટલું, નથી હોતું. ઊલટાનું ઓછા તાકાતવાળાની વહારે વધારે લોકો ધાશે. એને વધુ સિમ્પથી મળશે. આ સહાનુભૂતિ એને તમારા કરતાં ખૂબ તાકાતવાન બનાવશે. તમારાથી ‘નાનાઓ’ આગળ ક્રોધે ભરાતાં તો ખાસ ધ્યાન રાખવું.

જેની આગળ ગુસ્સે થવું હોય એની આગળ જ થવું, કોઈ ત્રીજી વ્યક્તિની હાજરીમાં નહીં. ત્રીજી વ્યક્તિની હાજરીને કારણે અપમાન બેવડાઈ જતું હોય છે. કોઈની સમક્ષ જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરીએ છીએ ત્યારે એ અપમાન અનેકગણું થઈ જતું હોય છે.

ગુસ્સાની જેમ ઈર્ષ્યા પણ એક સ્વાભાવિક નેગેટિવ લાગણી છે. તમારા પાડોશી પાસે નવી કાર આવે એટલે તમને પણ તમારી જૂની કાર વેચીને પાડોશી કરતાં પણ વધારે સારી કાર ખરીદવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમારી ત્રેવડ હોય તો તમે એવું કરી શકો. ન હોય તો વધુ કમાવવાના રસ્તા શોધી શકો. એ પણ શક્ય ન હોય તો શું કરશો? ઈર્ષ્યા વ્યક્ત કરવા પાડોશીની નવી કારનો કાચ તોડી નાખશો. અને ક્યાંક એવું બન્યું કે પાડોશીનાં લગ્ન થયાં અને તમારી પત્ની કરતાં વધારે રૂપાળી પત્ની લઈ આવ્યો તો શું કરશો?

ઈર્ષ્યાની અભિવ્યક્તિ નથી થઈ શકતી ત્યારે માણસ ધૂંધવાય છે અને ન કરવાનું કરી બેસે છે. ઈર્ષ્યા જેવું જ ગુસ્સાનું છે. ગુસ્સો વ્યક્ત ન થઈ શકે ત્યારે માણસ સમસમીને બેસી રહે છે.

સમજવાની વાત એ છે કે શું આ જિંદગી ધૂંધવાઈને કે સમસમીને બેસી રહેવા માટે છે? આપણી એનર્જી, આપણો સમય આ રીતે વેડફી નાખવા માટે છે? નકારાત્મક લાગણીઓ જન્મે અને મનમાં ઉછળ્યા કરે એ સ્વાભાવિક છે એટલું સ્વીકારી લેવાનું અને પછી સમજવાનું કે આ લાગણીઓની અભિવ્યક્તિ આપણા માટે નુકસાનકારક હોય છે. ધીમેધીમે સમજાતું જશે કે આવી લાગણીઓ જન્મે એ પોતે જ નુકસાનકારક પ્રક્રિયા છે.

તો શું કરવું એ જન્મે જ નહીં એ માટે? સહેલું નથી પણ શક્ય તો છે જ. કેવી રીતે?

પહેલી વાત તો એ કે નેગેટિવ લાગણી જન્મે એ સ્વાભાવિક છે એવું મનમાં ઠસાવી દેવું. કોઈ પણ પ્રકારની નેગેટિવ લાગણીની વાત છે. કોઈપણ પ્રકારની, સમજ્યા? જો આટલું નહીં સ્વીકારો તો દંભી બની જશો અને એ પણ બીજાની આગળ દેખાડો કરનાર જ નહીં, જાતની આગળ દેખાડો કરનાર દંભી બની જશો, જાતને છેતરતા થઈ જશો.

એ પછી નક્કી કરવાનું કે આ નેગેટિવ લાગણીઓ જન્મે એવી તરત જ વ્યક્ત થવા નથી દેવી. વ્યક્ત નથી જ કરવી એવું નહીં વિચારવાનું. વ્યક્ત તો કરવી છે પણ અત્યારે નહીં- એટલું જ નક્કી કરવાનું છે. આટલું નક્કી કરીશું અને થોડીક પળ, થોડાક કલાક, થોડાક પ્રહર, એક દિવસ, એક અઠવાડિયું વીતશે એટલે મોટાભાગની નેગેટિવ લાગણીઓ આપોઆપ ઓગળી જશે. (જુદીજુદી નેગેટિવ લાગણીઓને ઓગળી જવા માટે જુદોજુદો સમય લાગતો હોય છે – કોઈને એક સેકન્ડ તો કોઈને એક મિનિટ તો કોઈ કોઈને એક અઠવાડિયું.)

જે નેગેટિવ લાગણી વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે પણ અઠવાડિયા પછીય ઓગળી નથી એનું શું કરવું? એને કોઈ ત્રીજી વ્યક્તિ આગળ જઈને ઠાલવવી. પત્નીને કહેવું કે મને તારા ભાઈનું ગળું દબાવી દેવાનું મન થાય છે (અરે ભાઈ, મજાક છે. સાચેસાચ એવું કરવા જશો અને પત્નીએ આ લેખ નહીં વાંચ્યો હોય તો એ પોતાની નેગેટિવ લાગણીને તાત્કાલિક વ્યક્ત કરીને તમારું ક્રેડિટ કાર્ડ લઈને શોપિંગ કરવા ઉપડી જશે.)

તમારા કોઈ મિત્ર, સ્વજન કે હમદર્દ અથવા તો પછી તમારા વિશ્વાસુ સાઇકિયાટ્રિસ્ટ પાસે જઈને તમારામાંથી હજુય નાશ ન પામી હોય એવી નકારાત્મક લાગણીઓ ઠાલવી શકાય! એ માટે કોઈ દવા-ગોળી- ટેબ્લેટ લેવાની જરૂર નથી. એ ચક્કરમાં પડયા તો આખી જિંદગી પરવશ બની જશો અને મહામૂલી લાઈફને વેરવિખેર કરી નાખશો.)

આમ છતાં તમારામાં જો પેલી નેગેટિવ પ્રકારની લાગણી જડ ઘાલીને બેસી જ રહી હોય તો હવે સમય થઈ ગયો છે એને બહાર કાઢવાનો. બહાર કાઢતાં પહેલાં એનાં પરિણામોનો વિચાર કરી લેવાનો. (કોઈનું ખૂન કરવાનું મન હોય તો ઈન્ડિયન પીપલ કોડનો અભ્યાસ કરી લેવાનો. આખું થોથું નહીં વાંચો અને ખાલી કલમ ૩૦૨ વાંચી જશો તો પણ ચાલશે.)

સમજવાનું એટલું જ છે કે જેમ પોઝિટિવ લાગણી પ્રગટ કર્યા પછી એનું પરિણામ આવવાનું જ છે. એમ નેગેટિવ લાગણીઓ પ્રગટ કર્યા પછી એનું પરિણામ, વહેલું કે મોડું, આવવાનું જ છે. જો એ પરિણામ સહન કરવાની તાકાત ન હોય તો કૃપા કરીને એવી લાગણીઓ પ્રગટ કરવાને બદલે એને મનમાં જ સાચવીને જીવતાં શીખી જાઓ.

સાયલન્સ પ્લીઝ!

મેઘધનુષના રંગ માણવા હશે તો વરસાદને માણવાની તૈયારી પણ રાખવી પડશે.

– અજ્ઞાત
**************************
સદા અનુકૂળ એવો પવન મળે
એવું મજાનું સૌને જીવન મળે!

ગોથ ખાતા પતંગને ઓથ મળે,
ઢીલ કે ખેંચ બંન્ને સચોટ મળે,
એવું મજાનું સૌને જીવન મળે

લડાવો પેચ તો’ય ના વેર મળે,
માંગો બસ ત્રણ અને તેર મળે,
એવું મજાનું સૌને જીવન મળે!

મનમાં ના કોઇથી વેર મળે ,
રહે ઉત્સાહ પણ ના આવેશ મળે,
એવું મજાનું સૌને જીવન મળે!

કાપ્યાનો અનહદ  આનંદ મળે,
કપાયાનો ના કદી  રંજ મળે,
એવું મજાનું સૌને જીવન મળે!

નભમાં હોવાનું, ના ગુમાન મળે,
ભાવ સૌને માટે સમાન મળે ,
એવું મજાનું સૌને જીવન મળે!

ઊંચા આકાશ નું સંધાન મળે,
છતાં મૂળ સાથે અનુસંધાન મળે
એવું મજાનું સૌને જીવન મળે
🎈🌻હેપ્પી ઊતરાયણ
**************************
ગઝલ - "પતંગ ની વ્યથા"

માણસો કેવું સતાવે છે મને?
હાથ પગ બાંધી નચાવે છે મને...

દોર દૈ છૂટો ચગાવે છે મને ...
બાદ આપસમાં લડાવે છે મને...

મોકળું આકાશ આપી બે ઘડી,
લોકની વચ્ચે લુંટાવે છે મને...

પૂંછડી બાંધી કરે છે મશ્કરી,
પાત્ર હાંસીનું બનાવે છે મને...

વીજળીના થાંભલે કાં ઝાંખરે,
લોક શૂળીએ ચડાવે છે મને...

હોય જાણે સાસરું આકાશમાં,
એમ ધાબેથી વળાવે છે મને...

દોરથી દોરાઉં છું લાચાર થૈ,
માણસો જયાં ત્યાં ઝુકાવે છે મને...


🍁HAPPY UTTARAYAN
*******************
' ચાલને સખી.....આજે પતંગ થઈ જઈએ '

ચાલને સખી...
           આજે
                પતંગ થઈ જઈએ

દરદ સઘળા ભૂલી..હળવા થઈ
         ઊંચે આભમાં ઊડી જઈએ
                        ચાલને સખી....!!

સુરજને સન્મુખ રહીએ
      ને.....
         પછી પેચ લડાવીએ

રસાકસીમાં ઢીલ મુકીએ
     ભાર નહીં....
         પ્યારથી પેચ લડાવીએ
                  ચાલને સખી....!!

ક્યારેક....તું દોરી
   અને... હું કિન્ના થઇને
         પવન ની લહેરખીએ
                   ઠુમકા લગાવીએ

ઉર્મિઓ સઘળી ને
        વાચા આપીને
           લપેટ લપેટનો સાદ પાડીએ
                         ચાલને સખી....!!

કાચ પાયેલ લાગણી ને
           જાકારો આપીને
હૈયાના ઘાવ ને
        સ્નેહનો લેપ લગાડીએ
સુરજ આથમ્યા બાદ
        પણ આભમાં ટકી રહીએ
કંડીલ બની
    આપણો ઉજાસ
           ચોમેર પાથરીએ
                 ચાલને સખી....!!

મકરસંક્રાંતિ પર્વની અનેકોઅનેક શુભેચ્છાઓ...
**************************
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..
હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ...

ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ..
સરરર
બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. ચાલ એક સંબંધ...

ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ..
તો
ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. ચાલ એક સંબંધ...

ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..
બસ
આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. ચાલ એક સંબંધ...

થોડું ચગવાનું,
થોડું ડગવાનું,
થોડું લથડવાનું,
ગોથા પણ ખાઈ જવાનું..
આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો..
છુટા જ પડવાનું..
આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું?
આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું.. ચાલ એક સંબંધ..

પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ..
બરાબર
હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ.. ચાલ એક સંબંધ...

ગુંચવણો સઘળી ઉકેલીએ..
ને
જૂના સંબંધો લપેટીએ..
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ...
ચાલ એક સંબંધ...
*********************