Tuesday, October 8, 2013

પંચલાઈન્સ-મૃગાંક શાહ

મૃગાંક શાહે ‘મનનાં ડ્રાયફ્રૂટ્સ’ નામની ઉમદા ચોપડી બનાવી છે. એમના વિશાળ વાંચનમાંથી તારવીને કેટલીક યાદગાર પંચલાઈન્સ આ પુસ્તકમાં (પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર) સંપાદિત કરી છે. સૅમ્પલ:

સંતુલિત આહાર એટલે બેય હાથમાં એક-એક પેંડો.

* * *

જ્યારે પણ મને કસરત કરવાનું મન થાય છે ત્યારે હું એ વિચાર જતો ન રહે ત્યાં સુધી સૂઈ જાઉં છું.

* * *

ચોરી ન કરો, સરકાર પ્રતિસ્પર્ધીઓને કડક સજા કરે છે.

* * *

જો આપણે બીજાને મદદ કરવા જ આ પૃથ્વી પર જન્મ્યા હોઈએ તો બીજાઓ શા માટે જન્મ્યા છે?

* * *

જો સ્વિમિંગ ફિગર માટે સારું હોય તો વ્હેલ માછલીનું ફિગર કેમ આટલું ગંદું છે?

* * *

બૅન્કવાળાઓ એટલા માટે કવિ સંમેલનોમાં નથી જતા, કારણ કે કવિઓ કોઈ દિવસ બૅન્કમાં નથી જતા.

* * *

પીને ચલાવો નહીં. કોઈ થાંભલા જોડે તમારી ગાડી અથડાશે તો તમારી દારૂની બૉટલ તૂટી જશે.

* * *

જો હું અમદાવાદ અને નર્કનો માલિક હોઉં તો અમદાવાદ ભાડે આપીને નર્કમાં રહું.

* * *

મુંબઈમાં કચરાપેટીમાંથી કચરો ફેંકી દેવામાં નથી આવતો, એકતા કપૂર એમાંથી સિરિયલો બનાવે છે.

* * *

જ્યારે જ્યારે લોકોને પોતાને જે કરવું હોય તે કરવાની છૂટ આપવામાં આવે છે ત્યારે તેઓ એકબીજાની નકલ કરે છે.

* * *

સત્ય એ સૌથી અમૂલ્ય ચીજ છે, એને વાપરવામાં કરકસર કરો.

* * *

હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું, પણ એને સરભર કરવા દરરોજ વહેલો નીકળી જાઉં છું.

* * *

જો ૧૦ ટકા અકસ્માતો દારૂ પીવાને લીધે થતા હોય તો એનો અર્થ એ કે ૯૦ ટકા અકસ્માતો દારૂ નહીં પીવાથી થતા હોય છે.

* * *

કૉમ્પ્યુટરના જે ભાગને તમે લાત મારી શકો છો એને હાર્ડવેર કહે છે અને જે ભાગને ખાલી ગાળો જ આપી શકો છો તેને

સૉફ્ટવેર કહે છે.

યુદ્ધ દરમિયાન એક હાથ, એક પગ, એક કાન ગુમાવનાર મગનકાકા જ્યારે વર્ષો પછી મરણ પામ્યા ત્યારે છગને મગનકાકાના દીકરાને દિલાસાપત્ર લખ્યો: આખરે તારા બાકી રહેલા બાપા પણ ગયા.

* * *

દારૂ બધા દુ:ખોનો ઉપાય નથી. જો કે, દૂધ પણ નથી.

* * *

લગ્ન એ એકમાત્ર એવી ચીજ છે જેને વિશે તમે સરકારને ગાળો આપી શકતા નથી.

* * *

જો તમારે તમારી પત્નીને ગુસ્સે કરવી હોય તો ખોટું બોલું. જો તમારે તમારી પત્નીને વધારે ગુસ્સે કરવી હોય તો સાચું બોલો.

* * *

પુરુષ લગ્ન પહેલાં સ્ત્રીનો હાથ પકડે એ પ્રેમ છે. લગ્ન પછી એવું કરે એ સ્વબચાવ છે.

* * *

જ્યાં સુધી પતિ સુખી ન થતો હોય ત્યાં સુધી એ કંઈ પણ કરે એનો એની પત્નીને વાંધો નથી હોતો.

* * *

લગ્ન એ કલ્પનાની બુદ્ધિ સામેની જીત છે અને બીજી વારના લગ્ન આશાની અનુભવ પરની જીત છે.

* * *

એવું શું કામ કે લગ્ન કરવા માટે થોડીક ઓળખાણ હોય તો ચાલે પણ છૂટાછેડા લેવા માટ એકબીજાને બરાબર ઓળખતા હોય તે જરૂરી છે?