Sunday, February 23, 2020

Whatsapp Collecion 31

"ગડમથલ"

અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!

સોફા મા બેસું તો ગાદી બગડે,
ગાદી મા પગલા ના દાગ પડે,

ગાદલા મા  સુવું તો ચાદર બગડે,
ઓશિકા મા તેલ ના ડાઘ પડે,

જમતા  જમતા ખાવા નુ પડે,
ડાઇનિંગ ટેબલ પર ટપકાં પડે,
માગવાં જાઊ તો ભવાં ચડે,

હાલતાં ચાલતાં ઘર બગડે
ખુરશી ખેંચુ તો સ્ક્રેચ પડે,

વાત કરવા જાવું તો લોચા પડે,
ફોન ,પંખા કરુ તો બિલ નડે,

લખવા જાઊં તો ભુલો પડે,
સમજણ ના પડે તો વઢ પડે,

બોલુ નહિ તો બેય બગડે,
બોલુ તો મગજ ચકરાવે ચડે.

પહેલા જેવુ મગજ ના ચાલે,
વાતે વાતે સમજણ ના પડે,

એકલા એકલા ચૅન ના પડે
અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!

ગળયું ખાટું મીઠું બધુ ભાવે,
તીખું મારું પેટ બગાડે,

જાત જાતનું ને ભાત ભાતનું ,
ખાઉં તો તબિયત બગડે,

અત્યારના જમાના સાથે મેલ ના પડે,
જૂનવાણી વિચારો નો તાલ ના મળે,

જીવન માં કર્યુ છે ઘણું બધું,
એકમેક ની  સાથે રહેનારા, મોજથી જીવનારા,
ઘડપણ માં એનો તાલો ના જડે!!

વિચારો છે ઘણાં મનમાં,
છેવટે તો એ ગડમથલમાં પરિણમે,
સમજુ છું ઘણું, કહેવું છે પણ ઘણું,
એમાં અર્થ નો અનર્થ નીકળી પડે,

નવી પેઢી ના નવા આચાર વિચારો,
પણ એમા  ખાસ તથ્ય ન મળે,
એમાં જૂની પેઢીના લોકો પાછળ પડે,
પણ સબંધ સાચવવામાં આગળ નીકળે.

અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!

કદાચ અમે તો ના શીખ્યા
પણ તમે સાચવજો તમારા ઘડપણે,
યાદ કરજો અમને એ ક્ષણે.
*****************
😜
દાદા કહે દાળ ભાત,
ને  દાદી  કહે ખિચડી કઢી,
બાળકોને  ભાવે ફાસ્ટ ફૂડ,
રોજ રોજ રાંધવાની રામાયણ..

પતિ કહે છોલે પુરી,
દીકરો કહે પાણી પુરી,
એમાં પિસાય બિચારી નારી,
રોજ રોજ રાંધવાની  રામાયણ.

એક કહે ઢોકળા,
ને બીજું કહે ભજિયા,
એમાં થાય  રોજ કજિયા,
રોજ રોજ રાંધવાની રામાયણ.

એકને ભાવે ચાઈનીઝ,
બીજાને પંજાબી,
ત્રીજાને ફાવે ગુજરાતી,
રોજ રોજ રાંધવાની રામાયણ.

ઘરડાં કહે ચાલશે,
ને પતિ કહે ફાવશે,
પણ બાળકોનો રોજ કકળાટ,
રોજ રોજ રાંધવાની રામાયણ.

ધન્ય છે એ નારીને,
જે ત્રણ પેઢી સાચવે,
જીંદગીને ખુશીઓથી છલકાવે
રોજ રોજ રાંધવાની રામાયણ.
 
ગ્રુપ ની સૌ સન્નારીઓ ને અર્પણ

🌹🦚🌳🌴🍁🦜🌳🌹
******************************
ફાંદ પુરાણ

પેટ ને ફાંદ માં પરિવર્તિત થવા ની જાણ સૌથી પહેલાં એનાં (ફાંદ ના) ઘારક ને જ થતી હોય છે...

પણ શરુઆત માં ઘારક એને પેટ જ કહે છે અને ફાંદ ના અસ્તિત્વ ને જ નકારતો રહે છે...

એકદમ સ્વાભાવિક રીતે પોતાને સાંત્વના આપે છે કે દિવાળી પર મફત ના મઠિયા ને મીઠાઈ (સોનપાપડી) ને કારણે અને ભરપૂર આરામ ના કારણે આ ટેમ્પરરી પરિસ્થિતિ ઉભી થઈ છે બહુજ જલદી સામાન્ય થઈ જશે...

નવી નવી ફાંદ ના ઘારક એક ભ્રમ હોય છે કે આ કોઈ સીઝનલ વાઈરલ ટાઈપ કે ઉગતી જવાની નાં ખીલ જેવી સ્થિતિ છે, જે કોઈ પ્રયત્ન વગર અઠવાડિયા માં ઠીક થઈ જશે...

પણ પણ પણ...
એવું થતું નથી... અઠવાડિયું મહિના માં અને મહિના વર્ષ માં પરિવર્તિત થઈ જશે પણ કમબખ્ત ફાંદ ઘારક ની નાભી થી ઉપર 6 ઈંચ સુધી પોતાનું સામ્રાજ્ય વઘારતું રહે છે,
બૈરી છોકરાં કાંઈ ટકોર કરે તો ઘારક બૈરી ના સ્વાદિષ્ટ ભોજન ને અને એના પિયર ના લગ્ન પ્રસંગો કે પોતાના જ બાપદાદા ની ફાંદ ની આનુવંશિકતા ને જવાબદાર ગણાવે છે... ને ઘારક ફાંદ ની ઉપેક્ષા કરવામાં લાગી જાય છે...

પણ પણ પણ...
નામુરાદ ફાંદ ને પણ દિલ્હી ના મુખ્ય મંત્રી ની જેમ ઉપેક્ષિત અવસ્થા પસંદ નથી હોતી એટલે એ શર્ટ ના બટન તોડી ને પણ પોતાની હાજરી નોઘાવવા નો સફળ કે આંશિક સફળ પ્રયત્ન કરે રાખે છે... અને ઘારક ને ઈનશર્ટ કરવાનું છોડવા મજબૂર કરી દે છે...
ઘરવાળી ભલે મન મારી ને પણ ફાંદ થી ટેવાઈ જાય પણ દુષ્ટ પ્રક્રુતી ના મિત્રો ફાંદ ને પાછું પેટ કહી શકાય તેવી સ્થિતિ લાવવા માટે એવાં એવાં જીવલેણ ઉપાય બતાવે છે કે જેના અમલીકરણ માં જાતક નો જીવ ગળે સુધી આવી જાય...
પછી તો કંટાળી ને જાતક ભીષ્મપ્રતીજ્ઞા લઈ જ લે છે કે પોતે પાછું ત્રેવીસ ની ઉંમર નું પેટ લાવી ને જ જંપશે. પોતાને જ મોંઘા સ્પોર્ટ્સ શુઝ ગીફ્ટ આપે અને સવારે  જલ્દી ઉઠી ને દોડવા જવાનું, શું ખાવું કે ના ખાવું...???  મિત્ર ને રવાડે ચડી અખાડા ની વાર્ષિક ફી ભરી આવવી... અરે કપાલભાતી કે અનુલોમ-વિલોમ પણ શીખી આવે... આર્યુવેદ ના નાજુક તબિયત વાળા વેદો ની સલાહ પણ લઈ આવે ને આ ક્રમ મુજબ થોડાં દિવસ ચાલવા નો પ્રયત્ન પણ કરે...
પછી પછી ક્યારેક અચાનક જ બદમાશ મિત્રો ક્યારેક કનુ ની પાપડી કે ભોગીલાલ નો મોહનથાળ ની લાલચ આપીને જાતક ને ફસાવી દે છે. ને સ્પોર્ટ્સ શુઝ પર ધૂળ જામવા લાગે છે ને ફાંદ પણ ચીન ની જેમ પોતાના વિસ્તાર ચુપચાપ વધારવા માં લાગી હોય છે...
ફાંદ ને જાતક ની લડાઈ માં ફાંદ હમેશા બાજીરાવ પેશ્ર્વા ની જેમ જાતક ને હથિયાર મૂકવા મજબૂર કરી જ દે છે...
તો હવે... જાતક ઢીલાં શર્ટ પહેરવાનું નક્કી કરે છે ને ફોટો શૂટ વખતે શ્ર્વાસ રોકવાનો પ્રયાસ કરે છે..
પરાજિત યોધ્ઘા ની જેમ સોફા પર પડી રહે છે ને હવે ટીવી પર બાબા રામદેવ નું પેટ ફુલાવવું ને મશક ની જેમ  અંદરની તરફ ગોળગોળ ફેરવવું પણ જાતક ને પ્રભાવિત નથી કરતું... ઈવન ઈવન શિલ્પા શેટ્ટી નો યોગ ના વીડિયો પણ...
પછી એ પોતાના મિત્ર વર્તુળ માં પોતાના જેવા ફાંદ ઘારકો  નો સમાવેશ કરે છે. એમનાં તર્ક...
1 ખાધેપીધે સુખી માણસ ની નિશાની
2 એક ઉમર પછી બઘા ને ફાંદ હોય જ ને
3 જેને ફાંદ ના હોય તે બઘા બિમાર...

મોરલ ઓફ સ્ટોરી...
ફાંદ નું પ્રગટ થવું ને નિરંતર પ્રગતિશીલ રહેવું એ જન્મ મરણ જેવી નિશ્ચિત બાબત છે... જો ફાંદ તમારો નકશો બગાડી ને પાકિસ્તાન ની જેમ પેદા થઈ ચૂકી છે તો માની લેવું કે એનું અસ્તિત્વ સ્વીકારી લેવું... સમયે સમયે સર્જીકલ સ્ટ્રાઇક પણ  કરી લેવી... ને પોતાની ફાંદ ના સહઅસ્તિત્વ સાથે જીવવા  નું શીખી લેવું

અહીં કવિ નવા નવા લેખક થયાં છે
એટલે ભાષાશુઘ્ઘી નો આગ્રહ રાખવો નહીં...
🤔🤔😜🤫😜🤣🤣
******************************
એક ડોસા ને દરજી સાથે
રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું
તે જીવણ ને ટૂંકું થાય!

જીવણ ને તો જોઈએ
લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય
જીવણ ન રાજી થાય,
ટૂંકા પના ના માપમાં
પરભુ તોય મથતો જાય,
એક ડોસા ને  દરજી સાથે
રોજ કજિયો થાય!

આશા નું એક સરસ ખિસ્સું
પરભુ માપે મૂકે,
જીવણ ને  લાલચ મુકવા ઇ
ખૂબ ટૂંકું લાગે,
નવી ભાતનાં ખીસ્સાં પરભુ
રોજ બતાવતો જાય,
એક ડોસા ને  દરજી સાથે
રોજ કજિયો થાય!

કોલર ઊંચા રાખવાનો
જીવણ ને ધખારો,
પરભુ સમજાવે એને કે
'અહમ  માપ માં રાખો',
પણ એમ જીવણ કાંઇ પરભુનું
બધુંય માની જાય?
એક ડોસા ને  દરજી સાથે
રોજ કજિયો થાય!

કંટાળી ને પરભુ એ
અંતે બીલ મોટું આપ્યું ,
જોતા જ જીવણની
બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ
પરભુનાં માપમાં રહેતો જાય,
એક ડોસા ને દરજી સાથે
હવે ન કજિયો થાય!
                   ~ કેતન ભટ્ટ
*******************************
બરકત વિરાણી ની એક 
 સુંદર રચના...
👌👌👌👌👌

શમણાઓ વિહોણી રાત
  નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત
  નથી ગમતી મને...

આપણી સામે અલગ ને
  લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત
  નથી ગમતી મને...

અમુલ્ય જીવનની ક્ષણોને
  કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત
  નથી ગમતી મને...

પરિશ્રમનો પરસેવો
  સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત
  નથી ગમતી મને...

જેમને મળીને કંઈ પણ
  શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત
  નથી ગમતી મને...

જે પણ કહેવું હોય તે મારા
  મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત
  નથી ગમતી મને...

                      - બેફામ.
*************************

Whatsapp Collecton 30



🌹🌹🌹🌹🌹🌹🌹🌹
વાચવા જેવુ છે જરુરથી વાંચશો,
🌹🌹🌹🌹🌹🌹🌹🌹


કવિ કાગ ની કલમ ની રચના

      ૧.

ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવડાવવું એ સંસ્કૃતિ છે.

      ૨.

થાકેલાને રસ્તો લાંબો લાગે છે.
ઉંઘ વિનાનીને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાના ને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.

     ૩.

નાથ નાખવાથી બળદ વશ થાય છે.
અંકૂશથી હાથી વશ થાય છે.
નમ્રતાથી જગત વશ થાય છે
અને
વિનયથી વિદ્વાનો અને બુઘ્ધિમાનો વશ થાય છે.

      ૪.

 પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.

        ૫.

 ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.

         ૬.

 આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.

        ૭.

જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.

        ૮.

કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે.

          ૯.

 રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.

          ૧૦.

 લડાયક પડોશ, ઘાસવાળું ખેતર, ભાઠું પડેલું ઘોડું અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે.

         ૧૧.

 તારાઓથી ચંદ્ર છૂપાતો નથી. વાદળાંઓથી સૂર્ય છૂપાતો નથી. અવળું જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.

           ૧૨.

 જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે.

              ૧૩.

 ભગવાન બે વખત હસે છે, એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે.

            ૧૪.

 સર્પને ઘીનો દીવો, લોભીને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.

           ૧૫.

સર્પને મોરનો રાગ, કરજદારને લેણદાર, તાબેદારને ઉપરી અને સ્વચ્છંદી છોકરાને નિશાળ નથી ગમતાં.

            ૧૬.

 ફળ વિનાના ઝાડનો પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કુટુંબીજનો ત્યાગ કરે છે.

            ૧૭.

 ઊંદરને ઘેર કાણ મંડાય ત્યારે બિલાડીના ઘેર ગીતડાં ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.

               ૧૮.

 ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.

            ૧૯.

 પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.

            ૨૦.

 ઈશ્વરે માતાના પેટમાં જીવની વ્યવસ્થા એવી કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે. પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન, વસ્ત્ર અને આબરૂના તોટા પડે છે.

         ૨૧.

 તાવવાળાને દૂધ કડવું લાગે છે. ગધેડાને સાકર કડવી લાગે છે અને દુર્જનને સદ્‌ઉપદેશ કડવો લાગે છે.

         ૨૨.

 જીવન પાછળ મરણ છે. દિવસ પાછળ રાત છે. ભોગ પાછળ રોગ છે અને વિલાસની પાછળ વિનાશ છે.

        ૨૩.

 વચન પાળવું, અજાણ્યા મલકમાં મુસાફરી કરવી, મિત્રતા નિભાવવી, યુદ્ધમાં અડગ રહેવું. દુશ્મન પર ક્ષમા કરવી અને ભયભીતને અભય આપવું આ બધાં કામ અતિ મુશ્કેલ છે.

         ૨૪.

 ૠતુ અને વૃક્ષ બંને મળે છે ત્યારે જ સુંદર ફળ આવે છે. તેમ મહેનત અને પ્રારબ્ધ બેય ભેગા થાય ત્યારે સારું પરિણામ મળે છે.

        ૨૫.

 મા વિનાનું બાળક રડે છે. ધણી વિનાનાં પશુ રડે છે. ઘેર રહેવાથી ખેતી રડે છે. સાવધાની વિનાનો વેપાર રડે છે અને વેરવાળાનું જીવન રડે છે.

       ૨૬.

 દૂધ બગડે ત્યારે ખટાશ થાય છે. ખેતર બગડે ત્યારે ખાર થાય છે. લોઢું બગડે ત્યારે કાટ થાય છે, અને બુદ્ધિ બગડે ત્યારે રાવણ થાય છે.

        ૨૭.

છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.

        ૨૮.

 કરજ હોવા છતાં મોજશોખ કરનારાંનો, પૈસા લીધા હોય તેની સાથે વેર બાંધનારાનો, માલિકની, મિત્રની અને સલાહ લેનારની ગુપ્ત વાતો ઉઘાડી કરનારાનો અને સાચો ઠપકો આપનારનો તિરસ્કાર કરનારાનો સંગ કરવો નહીં.

       ૨૯.

 બીજાને પ્રકાશ આપવા દીવો બળી જાય છે, બીજાને છાંયો આપવા વૃક્ષ તડકો સહન કરે છે. બીજાને સુગંધ આપવા ફૂલ અગ્નિ પર તાવડે ચડે છે, અને બીજાને સુખી કરવા સજ્જન દુઃખો સહન કરે છે.

       ૩૦.

 ખાંડની નાની નાની કણીઓને કીડીઓ શોધી કાઢે છે. ગાયને વાછરડી શોધી કાઢે છે. ગુપ્તચરો ગુનેગારોને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મના કરનારને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢે છે.

       ૩૧.

 સજ્જન અને સૂપડું એ બંને સારી વસ્તુને રાખીને ખરાબ વસ્તુ બહાર ઝાટકી કાઢે છે, તેમ દુર્જન અને ચાળણી ખરાબ વસ્તુને પેટમાં રાખે છે અને સારી વસ્તુને ત્યજી દે છે.

        ૩૨.

જુવાની વેડફી નાખનાર ઘડપણમાં, ધન વેડફી નાખનાર ગરીબીમાં અને જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે.

        ૩૩.

 સંપત્તિ પામેલો મૂર્ખ, નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે.

      ૩૪.

 મમતાની દોડ મૃત્યુ સુધી, વાસનાની દોડ અવતારો સુધી, નદીઓની દોડ દરિયા સુધી છે જ્યારે જીવની દોડ ઈશ્વર સુધી છે.

       ૩૫.

 વિદ્યાભ્યાસ, ખેતીની ૠતુ, ચૂલે ચડાવેલું ઘી અને યૌવનની સાચવણીમાં આળસ ન કરવી.

     દૉસ્તો...

આ સાર નો ભાવ ગમ્યો હોય તો !
ફોરવર્ડ કરજો
કોઈકના જીવનમાં ઝબકારો થાય ને જીવન બદલાઈ જાય તો મારી
આ કોશિશ લેખે લાગશે.

🙏🙏🙏
****************************************
હરી-ફરી લે હમણાં તબિયત છે ફાંકડી,
કાલે કેડેથી વળેલો હશે ને હાથમાં હશે લાકડી.

નીરખી લે નીરખી લે હમણાં નજર છે વશમાં,
કાલે આવશે મોતિયો ને આંખે હશે ચશ્મા.

નીકળી પડ મિત્રો સાથે ફરવા ને ચરવા,
કાલે આવશે બધા બીમાર ખાટલે મળવા.

આજે જ રૂબરૂ મળવાનો છે સ્કોપ,
કાલે બેઠો હશે સામે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ.

*કરી નાખ ઉજાણી પીને લીટર બે લીટર 🥃🍻🥂
કાલે મોમાં ખોસેલું હશે થર્મોમીટર.

ચાલો દોસ્તો ભેગા થઇએ છોડો વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ટ્વીટર,
ખબર નહિ ક્યારે પતી જાય દિલના કિલોમીટર!
💁🏻‍♂😇💁🏻‍♂
**************************
રગ રગ ને રોમ રોમ થી તુટી જવાય છે
તો પણ મજા ની વાત કે જીવી જવાય છે

વરસાદ શું કરી શકે છત્રી શું કરે
બીજા ને કોરો રાખવા પલળી જવાય છે

આંખો ના ઈલાકા મા રહો એક બે દિવસ
ત્યા થી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે

દરીયો તરી જવાનું વિચારું છું રોજ હું
દરરોજ એ વિચાર મા ડુબી જવાય છે

પડકાર સામે હોય તો અડીખમ ઉભો રહું
લીસી સુંવાળી વાત માં લપસી જવાય છે

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીયે
આ તો  હ્ર્દય ની વાત છે હાફી જવાય છે

     ખલીલ ધનતેજવી
***********************
ઘોડિયે નહીં તો કંઈ નહીં
પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ
ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ
દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ
અમથું અમથું ક્યાં ફરીથી કોયલ સંગ ટહુકી શકાય છે ?

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ
મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ
બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ
ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે

બાલ દિન નિમિત્તે ॥
*****************************
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

 મકરંદ દવે

         મકરંદ દવેનો જન્મ ગોંડલ, ગુજરાતમાં ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો.તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા હતા.૧૯૬૮માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા.તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા.
તેઓ કુમાર (૧૯૪૪-૪૫), ઉર્મિ નવરચના (૧૯૪૬), સંગમ, પરમાર્થી સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદક રહ્યા હતા.
નંદેગ્રામ આશ્રમમાં મુકેલો મકરંદ દવેનો ફોટો
ઇ.સ. ૧૯૮૭માં તેમના પત્નિ સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.
સ્વામી આનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું. ૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૧૯૯૭), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે મળ્યા હતા.
૩૧ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ નંદીગ્રામ, વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું.
સર્જન ફેરફાર કરો
તેમણે કવિતાઓ, ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.
તરણાં (૧૯૫૧), જયભેરી (૧૯૫૨), ગોરજ (૧૯૫૭), સૂરજમુખી (૧૯૬૧), સંજ્ઞા (૧૯૬૪), સંગતિ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહો છે. ઝબૂક વીજળી ઝબૂક (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ અને શેણી વિજાણંદ (૧૯૫૬) ગીતનાટિકા છે.
માટીનો મ્હેકતો સાદ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; બે ભાઈ (૧૯૫૮), અને તાઈકો (૧૯૬૮) બાળનાટકો છે; પીડ પરાઈ (૧૯૭૩) તેમના પ્રસંગચિત્રો છે; યોગી હરનાથના સાંનિધ્યમાં (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે.
એમનું અધ્યાત્મચિંતન અંતર્વેદી (૧૯૭૮), યોગપથ (૧૯૭૮), સહજને કિનારે (૧૯૮૦), ભાગવતી સાધના (૧૯૮૨), ગર્ભદીપ (૧૯૮૩), ચિરંતના (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. એક પગલું આગળ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે.
સત કેરી વાણી (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ઘટને મારગે (૧૯૪૬) અને ટારઝનઃ જંગલોનો રાજા (૧૯૪૭) એમના અનુવાદો છે.

સાદર વંદના
💐💐💐🌹🌹🌹💐💐💐🌹🌹🌹
*******************************
સમજી લો ----

મિત્રો બોલાવે પણ જવાનું મન નહિ થાય તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

વગર કારણે હસતા રમતા ટાબરિયાઓ પર ખીજવાઈ જાઓ તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

સુમધુર સંગીત ગુંજતું હોય રેડીઓ પર ને માથે બામ ઘસતા હોવ તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

ધમાલ મસ્તી વાળી ફિલ્મ ની ટીકા કરવા લાગો તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

મસ્ત મજા ની મેહફીલ જામી હોય ને મિત્રોને સલાહ આપવા લાગો તો સમજી લો --ઘરડા  થઇ રહ્યા છો

નવા કપડાં ખરીદવાની ધગશ ઓછી થતી જાય તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

વાત વાતમાં નવજુવાનિયાઓ ની ફેશન પર ટીકાઓ કરવા લાગો તો સમજી લો ---ઘરડા  થઇ રહ્યા છો

ગુલાબ ઉપર મંડરાતા ભમરા ને જોઈ કોઈ રોમેન્ટિક ગાયન યાદ ના આવે તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

રેસ્ટોરન્ટ માં જઈને પણ ઘર ના ભોજન ના વખાણ કરવા લાગો તો સમજી લો --ઘરડા  થઇ રહ્યા છો

બેફિકરાઈ છોડી ને માથે ચિંતા ના ટોપલા મુકવા માંડો તો સમજી લો ---ઘરડા થઇ રહ્યા છો

વરસાદ પડતો હોય ને ભજીયા ના બદલે છત્રી યાદ આવે તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો
****************