Saturday, May 3, 2014

ચંદ્રકાંત બક્ષી

એક વાર ચર્ચિલને પોલિટિશિયનની વ્યાખ્યા પૂછવામાં આવી. એણે ઉત્તર આપ્યો: રાજકારણીમાં એ ક્ષમતા હોવી જોઈએ કહેવાની કે આવતી કાલે, આવતા સપ્તાહે, આવતે મહિને, આવતે વર્ષે શું થશે. અને પછી એ સમજાવવાની ક્ષમતા હોવી જોઈએ કે શા માટે એમ ન થયું.

રાજકારણનું હાર્દ ગંદું નથી, ગંદકી તો લુચ્ચા બેઈમાન માણસો લઈ આવે છે.

રાજકારણમાં સ્પષ્ટવક્તા થઈ જવું હંમેશાં ડહાપણભરેલું હોતું નથી 

કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવા માટે એક પેશન, એક ઉન્માદ, એક પાગલપણું જોઈએ જ 

પ્રસિદ્ધિએ જેટલા નેતાઓને મારી નાખ્યા છે એટલા શત્રુઓએ માર્યા નથી. 

જો માણસને ખતમ જ કરી નાખવો હોય તો એની પ્રશંસા કરો, પ્રશંસા કરો, પ્રશંસા કરો! 

06-05-2014-સ્વામી સચ્ચિદાનંદ

‘ઘણી વાતો જાણવા છતાં પણ ઢાંકી દેવામાં કે ભૂલી જવામાં જ કલ્યાણ હોય છે. સત્ય પણ કલ્યાણકારી હોય તો જ પ્રગટાવવું હિતકર છે. જે સત્યના પ્રગટ થવાથી કોઈનાં જીવન રહેંસાઈ જતાં હોય તેવા સત્યને પ્રગટ કરવું તે વિવેકનું પગલું ન કહેવાય.’

‘જવાબદાર વ્યક્તિ નિશ્ર્ચિંત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કાંઈક મૂંઝવતા પ્રશ્ર્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતાં રોકે છે. કશી જ ચિંતા ન હોય અને કાંઈ જ ભાર પણ ન હોય, જવાબદારીશૂન્ય જીવન હોય તો તેવું જીવન વરદાન નહિ, અભિશાપ જ સમજવું.’

‘જીવનમાં ઉત્તમ વ્યક્તિની પ્રાપ્તિ હીરાની પ્રાપ્તિ કરતાં પણ વધુ મહત્ત્વની છે. પછી તે વ્યક્તિ પતિ હોય, પત્ની હોય, મિત્ર હોય કે ગુરુ હોય, કોઈ પણ હોય. શ્રેષ્ઠ વ્યક્તિથી સંસારમાં કશું જ વધુ કીમતી નથી. સોનું શોધવા નીકળેલા માણસો કરતાં ઉત્તમ વ્યક્તિ શોધવા નીકળેલા માણસો વધુ ડાહ્યા હોય છે, કારણ કે સોનાના સુખ કરતાં ઉત્તમ વ્યક્તિનું સુખ ઘણું વધારે છે. સોનું તો કદાચ કોઈ સમયે દુ:ખરૂપ થઈ શકે છે. પણ ઉત્તમ વ્યક્તિઓ જીવનમાં અનાયાસે મળી જતી હોય છે. અનાયાસે મળતા લાભોમાં તો ઈશ્ર્વરકૃપાની અનુભૂતિ કરવી જ જોઈએ.’

‘ત્યાગની સામે યાચના હોય જ નહીં. જો ત્યાગની સાથે યાચના તત્ત્વ ભળે તો ત્યાગ, ત્યાગ ન રહેતાં લાચારી બની જાય.’